વર્ષો પહેલાની વાત છે. એક યુવાન એક ગામથી બીજા ગામ જઇ રહ્યો હતો. રસ્તામાં મોટી નદી આવતી હતી.ઉપરવાસ ખુબ વરસાદ પડવાને લીધે નદીમાં પુર આવ્યુ હતુ. નદીને પાર કરવી મુશ્કેલ હતી. યુવાને પાછા જવાનો વિચાર કર્યો પણ ચાલીને થાકી ગયો હતો અને સાંજ પડી ગઇ હતી આથી પાછા જવાનો વિચાર માંડી વાળ્યો. રાત નદી કાંઠે જ પસાર કરીને સવારે પાણી ઉતરે એટલે નદી પાર કરીને સામેની બાજુ પર આવેલા ગામ જવાનો નિર્ણય કર્યો. હવે તો રાત પડી ગઇ હતી. અંધારુ પણ થઇ ગયુ હતુ. સમય પસાર કરવા એ નદીના કાંઠે આમ તેમ આંટા મારી રહ્યો હતો. અચાનક એના પગ સાથે કંઇક અથડાયુ એણે જોયુ તો એક વજનદાર થેલો હતો. અંધારામાં બીજુ કંઇ દેખાતુ નહોતુ પણ થેલાને ઉપાડતા એ ખુબ વજનદાર લાગ્યો. અંદર હાથ નાંખીને જોયુ તો નાના-નાના કાંકરાઓ હતા. યુવાન થેલો પોતાની સાથે લઇને નદીના કાંઠા પર બેસી ગયો.થેલામાંથી એક કાંકરો લઇને નદીમાં ફેંક્યો એમ કરવામાં એને મજા આવી એટલે બીજો કાંકરો ફેંક્યો. પછી તો આખી રાત એક પછી એક કાંકરો થેલીમાંથી લઇને નદીમાં ફેંકતો રહ્યો. થેલીમાં રહેલો છેલ્લો કાંકરો લઇને ફેંકવા જતો હતો ત્યાં એને વિચાર આવ્યો કે હવે થોડુ અજવાળુ છે તો જરા જોઉં તો ખરો કે આ કાંકરો કેવો છે. એણે એ કાંકરા સામે જોયુ અને આંખો આશ્વર્યથી પહોળી થઇ ગઇ કારણકે એ કોઇ સામાન્ય પથ્થર નહોતો પણ કીંમતી હીરો હતો.હવે એને પારાવાર પસ્તાવો થવા લાગ્યો કે આખી રાત બેઠા બેઠા આ હીરાને પાણીમાં નાંખી દીધા.
મિત્રો , આપણા જીવનમાં પણ કંઇક આવુ જ થાય છે. અજાણતા અને ગાફલાઇમાં હીરા જેવી કીમતી સમયની એક એક ક્ષણને ફેંકી રહ્યા છીએ. અને જ્યારે સમજણનું અજવાળુ થાય ત્યારે ખબર પડે છે કે મેં શું ગુમાવી દીધુ છે ! જીવનની પ્રત્યેક ક્ષણનો પૂર્ણ ઉપયોગ કરીએ.
Posted via Blogaway
1 comment:
What is bodh in this story
Post a Comment