ભૌમિકનો ડર
નવમા ધોરણના વર્ગમાં હું ગુજરાતી વિષયના તાસમાં ‘હાજી કાસમ તારી વીજળી….’ લોકગીતની ચર્ચા કરી રહ્યો હતો. એ કાવ્યના સંદર્ભ રૂપે મારી પાસે એક અખબારમાં છપાયેલ લેખનું કટિંગ હતું. એ લેખ આપણા એક અભ્યાસી લેખકનો હતો. એમાં વિસ્તૃત રીતે કાસમની વીજળી ડૂબી ગયાની ઘટના વિશે ચર્ચા કરવામાં આવી હતી. એમાં ‘વીજળી’નું મૂળ નામ ‘વૈતરણી’ હોવાનો એક મત રજૂ થયો હતો. લેખ વર્ગમાં વંચાઈ રહ્યા પછી વર્ગના સૌથી નાનકડા પણ અત્યંત જિજ્ઞાસુ એવા વિદ્યાર્થી ભૌમિકે ઊભા થઈને પૂછ્યું :
‘સર, મને એક પ્રશ્ન થાય છે…..’
‘હા, પૂછ !’ મેં તેને કહ્યું.
‘સર, આ લેખ વાંચતાં-વાંચતાં તમે ‘વૈતરણી’ શબ્દ બોલ્યા, એનો અર્થ શો થાય ?’ ભૌમિકે પૂછ્યું.
‘વૈતરણી એક નદીનું નામ છે, ભૌમિક !’ મેં તેને કહ્યું.
‘નદી ? પણ ક્યાં આવેલી છે આ નદી ?’ ભૌમિકની જિજ્ઞાસા વધી ગઈ.
‘આ નદી અહીં પૃથ્વી પર નથી !’
‘તો ?’
‘એ તો માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે જ એને જોઈ શકે !’
‘એટલે ? હું કંઈ સમજ્યો નહીં, સર ! એવી તે વળી કેવી નદી ?’
‘એ નદી માણસે મૃત્યુ પછી પાર કરવાની હોય છે ! અને વૈતરણી નદી બહુ ભયંકર હોય છે. એમાં ચિત્ર-વિચિત્ર જીવ-જંતુઓ હોય છે, જે આપણને ખૂબ પરેશાન કરે છે….’
‘ચિત્ર-વિચિત્ર એટલે કેવાં, સર ?’
‘પૃથ્વી પર કદી ન જોયાં હોય એવાં !’
‘ઓહ !’ ભૌમિકના મોંમાંથી ઉદ્દગાર નીકળી ગયો. એ સાથે જ મારો તાસ પણ પૂરો થયો. હું વર્ગની બહાર નીકળી ગયો.
બીજે દિવસે સવારે બીજો જ તાસ મારે ફ્રી હતો. હું લાઈબ્રેરી રૂમ તરફ જઈ રહ્યો હતો. એવામાં દાદરા પાસે મેં ભૌમિકને બેઠેલો જોયો. તે નીચું જોઈને છેલ્લા પગથિયા પર બેઠો હતો. મને નવાઈ લાગી. હું તરત જ તેની પાસે ગયો. મેં તેને પૂછ્યું, ‘શું થયું ભૌમિક ? અહીં કેમ બેઠો છે ?’
ભૌમિકે મારી સામે જોયું. તેનો ચહેરો ઉદાસ હતો. તે કશું બોલ્યો નહીં. મેં ફરીથી તેને પૂછ્યું : ‘શું થયું ? તું આમ અહીં કેમ બેઠો છે, ભૌમિક ? તને કોઈએ કાંઈ કહ્યું છે ? કે પછી કોઈ સમસ્યા ઊભી થઈ છે ?’
‘સર…! સર…..!’ એટલું બોલતાં તો નાનકડા ભૌમિકની આંખોમાં આંસુ આવી ગયાં.
‘શું વાત છે, ભૌમિક ? તું રડે છે ?’ મેં તેને પૂછ્યું.
‘સર, મને ચિંતા થાય છે….’ ભૌમિક બોલ્યો.
‘ચિંતા ? શાની ચિંતા ?’ મેં નવાઈભેર તેને પૂછ્યું.
‘સર, તમે કાલે કહેતા હતા એ વૈતરણી નદીમાં ખરેખર ચિત્ર-વિચિત્ર પ્રાણીઓ હોય છે ? મને તો બહુ ડર લાગે છે, સર ! શું થશે ?’ ભૌમિક બોલ્યો.
‘અરે, ભૌમિક, એ તો બધી વાતો છે, પુસ્તકમાં લખેલી ! એનો કોઈ આધાર નથી.’ મેં કહ્યું.
‘પણ તમે તમે તો કહેતા હતા કે આપણાં શાસ્ત્રોમાં એમ લખેલું છે ! અને શાસ્ત્રની વાત તે કદી ખોટી હોઈ શકે ?’ ભૌમિકે કહ્યું.
‘પણ એ શાસ્ત્રો…..’ હું આગળ કશું બોલી ન શક્યો. મને મારી ભૂલ અત્યારે સમજાઈ. મારે વર્ગમાં આવી વાત કરવી જ નહોતી જોઈતી ! આપણાં શાસ્ત્રો, પુરાણોની આવી કંઈ કેટલીય વાતો ભૌમિક જેવા કુમળા બાળકના માનસ પર કેવી વિપરિત અસર કરે છે એનો પ્રત્યક્ષ પુરાવો મને આજે મળ્યો ! મને કાલ માર્કસનું પેલું વાક્ય યાદ આવ્યું – ‘ધર્મ ભયમૂલક છે !’ આપણો ધર્મ, આપણાં શાસ્ત્રો સદીઓથી આજ કામ કરે છે ને ? કાલ્પનિક વાતોમાં અટવાઈને આપણે જીવનનો વાસ્તવિક આનંદ ક્યાં સુધી ગુમાવ્યા કરીશું ?
No comments:
Post a Comment