Monday, 18 July 2016

guru mahima

ગુરુ મહિમા

મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શીક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે.આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે.જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે.ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.

ગુરુ શબ્દમાં જ ગુરુનો મહિમા સમાયેલ છે. ‘ગુ‘ એટલે અંધકાર અને ‘રૂ‘ એટલે પ્રકાશ.શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે.જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઇ છે , જેમને જીવન મૃત્યુથી ઘેરાયેલું લાગે છે, જે અમૃતની શોધમાં નીકળ્યો છે અને જેમનામાં જિંદગીનું સત્ય જાણવાની અભિલાષા પ્રગટી છે એવા લોકો જ સાચા ગુરુને શોધી શકે છે.પરમાત્માને શોધવા માટે કોઈ કૈલાસ ,કાશી કે કાબામાં જવાની જરૂર નથી.પરમાત્મા ત્યાં છે જ્યાં સદગુરૂનો વાસ છે.ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે.

ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે.ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે.આચાર્ય દેવો ભવ .

ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે.હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.જેમ કે,

શ્રી ગુરુ: બ્રહ્મા ગુરુ:વિષ્ણુ,ગુરુદેવો મહેશ્વર: |

ગુરુ: શાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ ||

વળી,

“ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય,

બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય “

અર્થાત,ગુરુની મહત્તા ગોવિંદ કરતાં વધારે છે કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને એની ઝાંખી કરી શકે છે.

શાસ્ત્રો, ગ્રંથો અને દેવોએ ગુરુની અજોડ મહિમાનાં ગુણ ગાયાં છે.

ગુરુ દત્તાત્રેયે ૨૪ ગુરુ બનાવ્યા હતા.શ્વાન પાસેથી એમને વફાદારીનો ગુણ શીખવા મળ્યો એટલે એમણે શ્વાનને પણ ગુરુ માન્યો હતો.મતલબ કે, ગુરુ એ છે જે આપણને જીવન વિકાસનું માર્ગદર્શન આપે છે.

એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા અને તેમની મૂર્તિ સામે મુકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો.. અને જ્યારે ગુરુએ દક્ષિણામાં તેનો અંગુઠો માગી લીધો ત્યારે વિના સંકોચે આપી દીધો હતો,નહીતર અર્જુન કરતાં એકલવ્ય ઇતિહાસમાં એક મોટો બાણાવળી ગણાતો હોત.ગુરુ માટે કેટલો મહાન ત્યાગ કહેવાય !

ગુરુ-શિષ્ય પરંપરા ભારતમાં કેટલાએ વર્ષોથી ચાલી આવી છે. સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા કોઇપણ જાતના ભેદભાવ વગર સાથે રહી જંગલમાંથી લાકડાં કાપી લાવી ગુરુની સેવા કરી એમની અનન્ય ગુરુભક્તિનાં આપણને દર્શન કરાવ્યાં છે.આ દ્રષ્ટાંત એ સૂચવે છે વિદ્યાનું દાન કરનાર ગુરુ માટે રંક કે રાયનો કોઈ ભેદ હોતો નથી.એની આગળ સૌ શિષ્યો એક સમાન હોય છે.

ગુરુ પૂર્ણિમા અર્થાત વ્યાસ પૂર્ણિમા

ગુરુનું મહાત્મ્ય સમજવા માટે અને એમના પ્રત્યે પૂજ્યભાવ પ્રગટ કરવા માટે દરવર્ષે અષાઢી પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાનું પર્વ મનાવવામાં આવે છે.

ગુરુ પૂર્ણિમાના દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે.

મહર્ષિ વેદવ્યાસ ભવિષ્યોત્તર પુરાણમાં ગુરુ પૂર્ણિમા વિશે એમના આ સંસ્કૃત શ્લોકોમાં આ પ્રમાણે લખ્યું છે:

मम जन्मदिने सम्यक् पूजनीय: प्रयत्नत:।आषाढ़ शुक्ल पक्षेतु पूर्णिमायां गुरौ तथा।।

पूजनीयो विशेषण वस्त्राभरणधेनुभि:। फलपुष्पादिना सम्यगरत्नकांचन भोजनै:।।

दक्षिणाभि: सुपुष्टाभिर्मत्स्वरूप प्रपूजयेत। एवं कृते त्वया विप्र मत्स्वरूपस्य दर्शनम्।।

અર્થ :- અષાઢ શુક્લ પૂર્ણિમાએ મારો જન્મ દિવસ છે અને એ ગુરુ પૂર્ણિમાનો પણ દિવસ છે. આ દિવસે સુંદર વસ્ત્ર, આભૂષણ, ગાય, ફળ, પુષ્પ, રત્ન, સ્વર્ણ,ભોજન ,દક્ષિણા વગેરે સમર્પિત કરી વિવિધ રીતે ગુરુ તેમની કરવાથી હે વિપ્ર, તારા ગુરુમાં તું મારા સ્વરૂપના દર્શન કરીશ.

ગુરુનું ઋણ શિષ્ય ઉપર ચડેલું હોય છે.આમ ગુરુ પૂર્ણિમા આવા પૂજનીય ગુરુને યાદ કરી એમને આદરપૂર્વક વંદન કરવાનો દિવસ છે.

આ ગુરુ પૂર્ણિમાના દિને મારા જીવનના ઉત્કર્ષમાં શરૂઆતથી આજદિન સુધી પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે અગત્યનો ભાગ ભજવનાર સૌ ગુરુજનો અને મહાનુંભાવોને યાદ કરું છું અને કોટી કોટી હાર્દિક વંદન કરું છું.

શ્રી ગુરુ: બ્રહ્મા ગુરુ:વિષ્ણુ,ગુરુદેવો મહેશ્વર: |

ગુરુ: શાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ ||

ગુરુ એ જ બ્રહ્મા છે , ગુરુ એ જ વિષ્ણુ છે , ગુરુ એ જ મહાદેવ છે . ગુરુ શાક્ષાત સ્વરૂપ છે તેવા ગુરુદેવને હું પ્રણામ કરું છું .

ગુરુ પૂર્ણિમા



watsapp with your name to get update-8511012334

No comments: