Tuesday, 4 November 2014

સુપ્રિમ કોર્ટથી પણ આગળની એક અદાલત હોય છે.

એક શાહુકારે કોઇ વિધવા ડોશીની જમીન કાવાદાવા કરીને પડાવી લીધી. ડોશીએ શાહુકારને હાથ જોડીને પોતાની જમીન પાછી આપવા માટે ખુબ વિનંતી કરી. શાહુકારે કહ્યુ , “ એ જમીન હું પાછી આપવાનો નથી તારે જે કરવું હોઇ તે કરી લે.” કોઇએ ડોશીને અદાલતમાં જવા માટે સલાહ આપી એટલે ડોશીએ ન્યાય મેળવવા માટે અદાલતનો આશરો લીધો.

શાહુકાર પેપર વર્ક કરવામાં બહું હોશિયાર હતો. એની પાસે એવા તમામ આધારો હતા કે જેનાથી એ જમીન ડોશીએ શાહુકારને વેંચી દિધાનું સાબિત થતું હતું. જ્યારે વાસ્તવિકતા એ હતી કે કાગળ પર ડોશીને ફોસલાવીને સહી લેવામાં આવી હતી. જેમ જેમ કેઇસ આગળ ચાલતો ગયો તેમ તેમ શાહુકારની તરફેણમાં મજબુત થતો ગયો.

એક દિવસ ડોશી જજના ઘેર પહોંચી ગઇ અને પોતાની બધી જ વાત કરી. જજ દયાળુ સ્વભાવના હતા પણ પુરાવાઓ શાહુકારની તરફેણમાં હોવાથી લાચાર હતા. એમણે ડોશીને સાંત્વના આપી કે હું મારાથી બનતા બધા પ્રયાસો કરીશ.
જજે પેલા શાહુકારને મળવા માટે બોલાવ્યો. એને લાલચ આપતા કહ્યુ કે તારો આ કેઇસ લાંબો ચલાવવામાં મને બહું રસ નથી.

આવતી તારીખે જ તારી તરફેણમાં ચુકાદો આપી દેવા હું તૈયાર છું પણ મારી એક નાની માંગણી છે. શાહુકારે કહ્યુ , “ બોલો, હું આપના માટે શું કરી શકુ?” જજે કહ્યુ , “ મારા ઘરના બગીચા માટે મારે એક મોટો કોથળો કાળી માટી જોઇએ છે આ માટી પેલા વિવાદવાળા ખેતરની જ જોઇએ છે અને કોથળો પણ તમારે જ ઉપાડવાનો.”

શાહુકાર આ માટે તૈયાર થયો. જજ શાહુકારની સાથે ખેતર પર ગયા. ખેતરની બરાબર વચ્ચે જઇને જજે માટીનો એક કોથળો ભર્યો અને શાહુકારે આ કોથળો પોતાના માથા પર ઉંચકવાનો પ્રયાસ કર્યો પણ એ ના ઉંચકી શક્યો.
જજે એની સામે જોઇને કહ્યુ , “ ભલા માણસ , મારા જેવા મુફલીસ જજની સામે એક કોથળો માટી પણ માથા પર નથી ઉંચકી શકતો તો પછી ઉપરવાળા જજની સામે આવડું મોટું ખેતર કેવી રીતે ઉંચકી શકીશ ?”

એક સનાતન સિધ્ધાંત કાયમ યાદ રાખવો. “ મારા પ્રત્યેક કાર્યને કોઇ જુવે છે , જાણે છે અને એનું યોગ્ય સમયે યોગ્ય ફળ પણ આપે જ છે.” સુપ્રિમ કોર્ટથી પણ આગળની એક અદાલત હોય છે.


Posted via Blogaway

No comments: